Thursday 22 June 2023

મારા જીવનનો યાદગાર પ્રસંગ

           જીવનમાં સુખ આવે તો સુખ પછી દુઃખ પણ આવે. કેટલાક પ્રસંગો અવિસ્મરણીય બની જતા હોય છે. કેટલીક યાદ સુખભરી હોય છે તો કેટલીક યાદો દુઃખ આપે છે. મારા જીવનના એવા દુઃખભરા પ્રસંગની અહીં વાત કહેવા જઈ રહી છું. કોરોનાનો સમય હતો. ત્યારે મે સ્નાતક સુધી અભ્યાસ પૂર્ણ કર્યો. દુઃખની વાત એ હતી કે લાખો લોકો આ વાઇરસને કારણે મૃત્યુ પામી રહ્યા હતા. બીજી બાજુ મારા માટે ખુશીની વાત એ હતી કે પરિવાર સાથે ખૂબ સમય પસાર કરવા મળતો હતો. જે  પહેલા ક્યારે બન્યું ન હતું. COVID-1 9ના કારણે ધંધા પણ બંધ હોવાના કારણે મારા પપ્પા ને ભાઈ ઘરે જ હતા. દરરોજ સાથે અમે પરિવારમાં ખૂબ મસ્તી કરતા અને કેટલીક રમતો પણ રમતા હતા.એક બાજુ કોરોના વાઇરસનો ડર પણ લાગતો હતો કારણ કે તે ખૂબ જ ખતરનાક વાઇરસ હતો.દરરોજ જમવામાં કઈ ને કઈ નવું બાનવવાનો મારો શોખ હું ત્યારે પૂર્ણ કરી શકી. દરરોજની જેમ એક સવારે મારા ઘરે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. હું કિચનમાં સાફ સફાઈ કરતી હતી, મમ્મી કપડાં સુકવતા હતા ને ભાઈ તેના મોબાઈલમાં વ્યસ્ત હતો.  પપ્પાને તમાકુનું વ્યસન હતું . દરરોજની જેમ પપ્પા સવારનો નાસ્તો કરીને તમાકુ ખાઈ ને નાહવા જતાં હતા. કિચન પાસે પહોચ્યા ત્યારે અચાનક ઊભા રહી ગ્યા અને ત્યાં જ બેસીને જમીન પર સૂઈ ગ્યા. મે પાછળ ફરીને જોયું તો પપ્પા જમીન પર સૂતા હતા. મને લાગ્યું પપ્પા ને કઈ થયુ. મે ધ્રૂજતા પગે દોડીને પપ્પા પાસે ગઈ ને રડતાં રડતાં બૂમ પાડવા લાગી કે, " પપ્પા જાગો. પપ્પા શું થયું તમને ? પપ્પા જાગો.." મારી બૂમ સાંભળીને મમ્મી અને ભાઈ પણ દોડીને આવ્યા.ભાઈએ મને દિલાસો આપતા કહ્યું કે ," પપ્પાને  કઈ નથી થયું. તું ચિંતા ના કર."  અને પપ્પાને જગાડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પપ્પા જાગ્યા નહિ. મમ્મી પણ ડરી ગ્યા અને મોટેથી રડવા લાગ્યા. મને તો એ વાતનો ડર લાગતો હતો કે પપ્પાને કઈ હાર્ટ એટેક તો નથી આવ્યો ને! કારણ કે હાર્ટ એટેક વિશે મને જેવુ ખબર હતી પપ્પા તેમ જ અચાનક બેહોશ થયા હતા ને હાર્ટ એટેક તો ખૂબ મોટી સમસ્યા કહેવાય ને એ જીવલેણ પણ બની શકે. આવી પરિસ્થિતિમાં શું કરવું કઈ ખબર ન પડતી હતી. મારો અને મમ્મીનો રડવાનો અવાજ સાંભળીને આજુબાજુમાં રહેતા પાડોશીઓ પણ દોડીને આવ્યા. બાજુમાં રહેતા ભાવેશકાકાએ પપ્પાને જમીન પરથી ઉઠાડીને બેડ પર સુવડાવ્યા ને  પપ્પા પર પાણીનો છંટકાવ કર્યો. પપ્પાએ આંખ ખોલી. મે પપ્પાને લીંબુ શરબત બનાવી ને આપ્યું. પછી પપ્પાને રાહત થઈ. ભાવેશકાકાએ પપ્પાને પૂછ્યું કે, " તમને શું થયું હતું ?" પપ્પાએ હળવા અવાજ એ કહ્યું કે," ચક્કર આવતા હતા ને ચલાતું ન હતું  એટ્લે હું ત્યાં જ સૂઈ ગ્યો." અંતે બધાને થોડીક રાહત થઈ કે કઈ મોટી સમસ્યા ન હતી. બધા પોતપોતાના ઘર એ ગ્યા. મમ્મીને હજી પણ  ડર લાગતો હતો. તેઓ પપ્પાની બાજુમાં બેસ્યા ને કહ્યું કે ,"તમે મેડિકલ તપાસ કરાવી આવો ને." થોડી વાર પછી મે અને મમ્મી ઘરના કામમાં વ્યસ્ત થઈ ગ્યા. પપ્પા એ તે દિવસે જ હોસ્પિટલે જઇ ને બધા રિપોર્ટ કઢાવ્યાં. કોરોનાનો પણ રિપોર્ટ કઢાવ્યો. બીજે દિવસે રિપોર્ટ પણ આવી ગ્યા. બધા જ રિપોર્ટ નોર્મલ હતા. આ જાણીને મને, મમ્મી અને ભાઈને રાહત થઈ. મમ્મી-પપ્પા તો આપણા માટે સર્વસ્વ હોય છે. એટલે આપણે તેમને તકલીફમાં જોઈ નથી શકતા.ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે કોરોનાની આવી કપરી પરિસ્થિતિમાં પણ મારા પરિવારને તંદુરસ્ત રાખ્યો.આમ મારા જીવનનો આ પ્રસંગ મારા માટે યાદગાર બની ગ્યો.       

મારા પ્રિય શિક્ષક

           શિક્ષક તો એવો દીપક છે જેનાથી રોશની ભર્યું ભવિષ્ય મળી શકે છે. એવો શિલ્પકાર છે જે પથ્થરને પણ મૂર્તિમાં પરિવર્તિત કરી શકે છે. એવા દીપક અને શિલ્પકાર સમાન મારા શિક્ષકનું નામ છે અંકિતસર ત્રીવેદી. તે મારા આદર્શ છે. તેવો અમને ગુજરાતી ભણાવતા હતા. તેમને અનુશાસન ઘણું પસંદ હતું. અમને અનુશાસિત બનવા હંમેશા પ્રોત્સાહિત કરતા હતા. ગુજરાતી વ્યાકરણ શીખવવાની તેમની ખૂબી કઈ અલગ જ હતી. તેથી જ વ્યાકરણ ઘણું સરળ અને મનોરંજક લાગતું. તેમની પાસે ગુજરાતી વિષયનું ઊંડાણપૂર્વક જ્ઞાન હતું. તેમને માટે બધા વિદ્યાર્થીઓ સમાન હતા. તેઓ નવરાશની પળોમાં અચૂક વાંચન કરતા હતા. તેઓ હંમેશા અમને કહેતા કે "મહેનત કર્યા વગર કશું મળતું નથી. જીવનમાં સફળ થવા માટે ખૂબ મહેનત કરવી પડે છે." તેઓ ગરીબ બાળકોને મફતમાં ટ્યુશન કરાવતા હતા. તેમનો સ્વભાવ પ્રેમ અને દયાળુ હતો. તેઓ જરૂર પડે તો વિદ્યાર્થીને કઠિન શિક્ષા પણ કરતા, પરંતુ તેમની શિક્ષામાંથી કઈ ને કંઈ શીખવા મળતું હતું. જ્યારે તેઓ ગદ્ય ભણાવતા ત્યારે મનોરંજક વાતો પણ કરતા. તેઓનામાં બધા વિદ્યાર્થીઓનું ગુજરાતી ભાષા તરફ આકર્ષવાની અનોખી આવડત હતી. બધા વિદ્યાર્થીઓ તેમનુ ખૂબ સમ્માન કરતા હતા. અમે જે પ્રશ્ન પૂછતા તેમનો જવાબ ખૂબ જ સુંદર અને શાંત સ્વભાવથી આપતા હતા. તેઓની પાસે સંગીત કલા પણ અદભુત હતી. જ્યારે વર્ગખંડમાં કાવ્ય જ્ઞાન કરતાં ત્યારે બધા વિદ્યાર્થીઓ મગ્ન થઈને સાંભળતા હતા. કઠિન મુદ્દાઓને પણ ઉદાહરણ દ્વારા સરળ રીતે સમજાવતા. તેમના મધુર સ્વરથી શાળાની પ્રાર્થના પણ આહલાદક અને મનને શાંતિ આપે તેવી થતી હતી. તેઓનામાં સજનાત્મકતાનો પણ ગુણ હતો. હંમેશા કઈને કંઈ કાવ્ય  ને વાર્તા નું સર્જન કરીને અમને સંભળાવતા. આવા મારા આદર્શ શિક્ષકમાંથી મે અને અન્ય વિદ્યાર્થીઓએ ઘણી પ્રેરણા મેળવી અને જિંદગીમાં સફળતા વિશે પણ ખૂબ જ સરસ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પોતાના વિદ્યાર્થીઓ પ્રત્યે તેમના દ્રષ્ટિકોણ હંમેશા સહાનુભૂતિ ભર્યો હતો. તદઉપરાંત તેઓ વિદ્યાર્થીના સાચા મિત્ર અને માર્ગદર્શક પણ હતા. અંકિત સર હંમેશા સમય પર વર્ગખંડમાં આવી જતા .એક મિનિટ પણ બગાડવા ન દેતા. તેમનું વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી હતું. આજના સમયમાં આવા સારા ને સમજદાર શિક્ષક મળવા ઘણા મુશ્કેલ હોય છે. વર્ગખંડમાં જ્યારે તેઓ ગદ્ય-પદ્યનુ અધ્યયન કરાવતા ત્યારે અઘરા શબ્દો આવે તો તેનો અર્થ પહેલા અમને પૂછતા ત્યાર પછી તેઓ સાચો અર્થ કહેતા. જેનાથી શબ્દનો અર્થ અમને બરોબર યાદ રહી જતો. અમારી પાસે પદ્યનું ગાન પણ કરાવતા. જેમાં બધા જ વિદ્યાર્થીઓને ખૂબ રસ પડતો હતો. પુસ્તકમાંથી તો બધા જ વાંચી લે પરંતુ તેમની પાસે પુસ્તકનું જ્ઞાન ઉપરાંત અન્ય વિષયો અને બહારની દુનિયાનું વ્યવહારુ જ્ઞાન પણ હતું. તેઓ અમને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે હંમેશા પ્રોત્સાહિત કરતા. જ્યારે કોઈ વિદ્યાર્થી સારું પ્રદર્શન કરે તો તેમને પુરસ્કાર આપીને પણ પ્રોત્સાહિત કરતા હતા. તેઓનું કહેવું હતું કે "વિદ્યાર્થીઓએ દરેક સમયે કંઈક નવું શીખવાની ઈચ્છા રાખવી જોઈએ. તેમના શબ્દો હંમેશા અમારા માટે મૂલ્યવાન છે."

           શિક્ષક રાષ્ટ્રના ઘડવૈયાઓનું નિર્માતા હોય છે. અંકિતસર સાચા અર્થમાં નિર્માતા છે. તે અમારા આદર્શ છે. તેમનો સ્વભાવ અન્ય શિક્ષકોને પણ પ્રેરણા અપાવાવાળો છે. જો આવા શિક્ષક મળી જાય તો દુર્જન માનવીનું જીવન પણ ધન્ય બની જાય છે.

વર્તમાન સમયમાં ગુરુનું સ્થાન


          ભારત જેવા દેશમાં આજે પણ ગુરુપૂર્ણિમા જેવા દિવસ મનાવવામાં આવે છે. જે એક સારી બાબત કહેવાય, પરંતુ વાસ્તવમાં તો ઘણા જ લોકો આ દિન અને ગુરુનું મહત્વ સમજી શક્યા નથી. ગુરુપૂર્ણિમાના દિવસે બધા જ લોકો ગુરુનું પૂજન કરે છે, શું બાકીના દિવસે આપણે ગુરુને યાદ કરીને પૂજન કરીએ છીએ! આ યુગ કળયુગ કહેવાય છે. તેથી જ પડકારાનો સામનો કરવા બધા જ વ્યક્તિને ગુરુની જરૂર રહે છે. એક રમતવીરની સિદ્ધિને સાચી દિશા તો તેના ગુરુ સમાન કોચ જ આપી શકે છે. સાંપ્રત સમયમાં મુશ્કેલી આવે તો ઘણા વ્યક્તિ હાર માની લે છે અને આપઘાત જેવા પ્રયત્નો કરે છે, ત્યારે જ ગુરુની સંગત મળી જાય તો જીવન સફળ બની જાય છે. ગુરુની વાત કરીએ ત્યારે કબીરની એક પંક્તિ જરૂરી યાદ આવે છે :                                  
                                                      "गुरु और पारस में बड़ा अंतर जान,
एक लोहा कंचन करें दूजा आप समान ।"

અર્થાત જેવી રીતે પારસના સ્પર્શથી પથ્થર સોનુ બને છે, તેવી રીતે ગુરુના સ્પર્શથી શિષ્ય પણ ગુરુ સમાન બને છે. રામકૃષ્ણ જેવા ગુરુને કારણે જ નરેન્દ્ર 'સ્વામી વિવેકાનંદ'માં પરિવર્તિત થયા. મહાત્મા ગાંધીની સફળતા પાછળ પણ તેમના ગુરુનો હાથ છે. દુનિયામાં ગમે તેટલો વિકાસ થાય, પરંતુ માનવીના જીવનમાં ગુરુનું સ્થાન તો હંમેશા ઉચ્ચ જ રહેશે. જ્યારે શાળામાં વિદ્યાર્થી ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરે તો સૌપ્રથમ તે તેના ગુરુ સમાન શિક્ષક અને માતા પિતાનો આભાર માને છે. સાંપ્રત સમયમાં વિદ્યાર્થીનું જીવન જોઈએ તો વિદ્યાર્થીને વારંવાર "પોઝિટિવ ઇન્સ્પીરેશન"ની જરૂર પડે છે, ત્યારે શિક્ષક જ ગુરુ બની પ્રેરણા આપે છે, ક્યારેક એની આંગળી પકડીને સાચો પથ બતાવે છે, ક્યારેક એનો હાથ ખામીને દિલાસો આપે છે, ક્યારેક ગુસ્સો કરીને કઠોર પણ બને છે, તો વળી ક્યારેક શાબાશી આપીને પીઠ પણ થપથપાવે છે. વર્તમાન સમયમાં ગુરુના સ્થાનની વાત એક વાસ્તવિકતાના ઉદાહરણ દ્વારા સમજીએ.  જ્યારે પાંડુરંગ આઠવલેના સ્વાધ્યાય પરિવારમાં કોઈ કાર્યક્રમ થાય તો સ્વાધ્યાયી પોતાના ઘરેથી પ્રસાદ અને ભોજન લઈ જાય છે, જ્યારે બીજે બધે પ્રસાદના નામે લૂંટવામાં આવે છે. ભગવાન રામ અને શ્રીકૃષ્ણને માનનારા ઘણા લોકો છે, પરંતુ તેમાંના ઘણા ગુરુને સમજી શકતા નથી. રામ અને શ્રીકૃષ્ણના જીવનમાં પણ ગુરુનો હાથ હતો. ગુરુ પર તો આજે પણ પુસ્તકો લખાય છે, તેમજ પ્રાચીન સમયમાં પણ વેદો અને ગ્રંથોમાં ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું છે .

          
          "વર્તમાન સમયમાં ઘણા લોકો કોઈના વિચારોથી, ચમત્કારોથી, ભક્તોની ભીડથી પ્રભાવિત થઈને ગુરુ બનાવી લે છે. જે યોગ્ય માર્ગ નથી. આપણે ગુરુ કોને બનાવી રહ્યા છે એ જાણવું પણ જરૂરી છે."
           
          સાંપ્રત સમયની એક વાત ખૂબ જ દયનીય છે કે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ જ ગુરુ બની ગયા છે. ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર દ્વારા ઘણી વસ્તુ તો શીખી શકીએ છીએ. પરંતુ આખો વિશ્વ તેના આધાર પર જ ચાલે છે જેમ શિષ્યોને ગુરુની જરૂરિયાત પ્રવૃત્તિ તેવી જ રીતે આ યુગના દરેક માનવીને ઇન્ટરનેટ વગર ચાલતું જ નથી. ઇન્ટરનેટના કારણે આપણે પ્રત્યક્ષ ગુરુને ભૂલી ગયા છીએ. પ્રાચીન સમયમાં જે ગુરુ શિષ્ય પ્રણાલી હતી તે હવે રહી નથી. પ્રાચીન સમયમાં શિષ્ય સવારે જાગીને ગુરુના ચરણસ્પર્શ કરતો, જ્યારે આધુનિક સમયમાં ગુરુ સમાન માતા-પિતાને વંદન કરવાનો સમય કોઈ પાસે નથી. અંતે ગમે તે યુગ હોય જીવનના દરેક ક્ષેત્રમાં ગુરુનું સ્થાન સર્વોચ્ય છે. ગુરુત્વ ઘણા બધા હોઈ શકે છે, પરંતુ તેમની પાસેથી સારા ગુણો લઈ અનુકરણ કરવું આપણા હાથમાં છે.

શિક્ષક પ્રશિક્ષણમાં તાલીમનું મહત્વ

        વર્તમાન સમયમાં NATIONAL EDUCATION POLICY- 2020ના કારણે શિક્ષણ પ્રશિક્ષણ ક્ષેત્રે ઘણા પરિવર્તનો આવ્યા છે. તેથી જ શિક્ષક બનવા માટેની તાલીમાં પણ બદલાવ આવ્યો છે. એ જરૂરી પણ છે, કારણ કે એક શિક્ષક જ ભવિષ્યના શ્રેષ્ઠ ઘડવૈયાઓ તૈયાર કરે છે. શિક્ષક પ્રશિક્ષણની તાલીમ દરમિયાન ઘણું શીખવા મળે છે, ઘણા કૌશલ્યનો વિકાસ થાય છે.

           કોઈપણ ક્ષેત્રમાં વિકાસ સાધવા તાલીમ જરૂરી છે. શિક્ષણને પણ ગુણવત્તા સભર બનાવવા માટે તાલીમ જરૂરી છે. શિક્ષણમાં નુતન પ્રવાહોથી વાકેફ થવા, નવી નવી વિવિધ તરાહો સાથે તાલમેલ સાધવા શિક્ષકને તાલીમ આપવી ખૂબ જ જરૂરી છે. શિક્ષકો તાલીમ લઈને પોતાના કૌશલ્યનો વિકાસ કરી તેનો વિનિયોગ વર્ગખંડમાં કરી શિક્ષણ કાર્યને અસરકારક બનાવી શકે છે. આ તાલીમ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ કરાવીને તેની આવડતમાં વધારો કરવા પ્રયત્ન કરવામાં આવે છે. જેમ કે ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, પોસ્ટર મેકિંગ, કાર્ડ મેકિંગ ક્ષેત્રકાર્ય વગેરે...... ગાંધીજીએ બુનિયાદી શિક્ષણ નું મહત્વ સમજાવ્યું છે. આજની 21મી સદીમાં છાત્રોને બુનિયાદી શિક્ષણ આપવું જરૂરી છે. નવી શિક્ષણનીતિ 2020 પણ તેને અનુસરે છે. આધુનિક યુગ ટેકનોલોજીનો યુગ કહેવાય છે. શિક્ષકે પણ પોતાના વર્ગખંડમાં ટેકનોલોજીનો સદુપયોગ કરવો જોઈએ, જેથી શિક્ષણ કાર્ય રસમય બને, વિદ્યાર્થીઓ ઉત્સાહિત અને જિજ્ઞાસુ બને. આ ટેકનોલોજી ની પૂરી સમજ તેને ફક્ત તાલીમ દરમિયાન જ મળી શકે છે. શિક્ષક તો વિદ્યાર્થીનો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છે. વર્ગખંડમાં વૈયક્તિક તફાવતો ધરાવતા વિવિધ વિદ્યાર્થીઓને અધ્યાપન કરાવવા માટે પણ શિક્ષકને તાલીમની જરૂરિયાત રહે છે, કારણકે તાલીમથી જ શિક્ષક એ તફાવત અને સમજી શકે છે અને તે અનુસાર શિક્ષણ કાર્ય કરાવી શકે છે. વર્ગખંડની ચાર દીવાલોમાંથી બહાર નીકળી શિક્ષણ કાર્ય જીવંત અને વાસ્તવિક કેવી રીતે બનાવવું એ શિક્ષક તાલીમ દ્વારા જાણી શકે છે.

        આજે વિદ્યાર્થી શાળામાં વિવિધ અનુભવોનું ભાથું લઈને આવે છે. તેના મનમાં ઘણા પ્રશ્નો સર્જાય છે. આવા પ્રશ્નોનું સાચું નિરાકરણ લાવવા સક્ષમ બનવા માટે શિક્ષકે યોગ્ય તાલીમ લેવી જરૂરી છે. વિદ્યાર્થીને જો ચોક અને ટોક પદ્ધતિથી ભણાવવામાં આવે તો તેની રસ બની જાય છે, બેધ્યાન બની જાય છે. આમ શિક્ષણ કાર્યને જીવંત અને વાસ્તવિક બનાવવા તાલીમ ની જરૂરિયાત રહે છે.

        શિક્ષક પોતાના કાર્યમાં વધુ કુશળતા કેવળ વ્યક્તિગત અને સામૂહિક પ્રયત્નોને પરિણામે જ પ્રાપ્ત કરી શકે છે. આ માટે શિક્ષકના સેવાકાળ દરમિયાન પ્રશિક્ષણ આપતી સંસ્થાઓએ શિક્ષકને મદદ કરવી જોઈએ. તેથી જ પ્રશિક્ષણમાં એવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે કે જેમનો હેતુ શિક્ષકોનું  વ્યાવસાયિક જ્ઞાન, અભિરુચિ અને કૌશલ્યનો વિકાસ કરી તેમને વધુ સુદ્રઢ બનાવી શકાય. ભારતના ગ્રામ્ય વિસ્તાર અને નાના શહેરોમાં પુસ્તકોની અછત, શૈક્ષણિક સાધનોની ઉપલબ્ધિ નો અભાવ, અલ્પ અનુભવો, સંશોધનની કમી વગેરે પરિસ્થિતિનો સામનો શિક્ષકે કરવો પડે છે. તેથી આવા સંજોગોમાં શિક્ષકે જો તાલીમ લીધેલ હશે તો તે આવી સેવા ઉપલબ્ધ પણ કરાવા માટે સક્ષમ બનશે. તાલીમ દરમિયાન શિક્ષક જે સંશોધન કરે છે તેના દ્વારા નૂતન દૃષ્ટિ પ્રાપ્ત કરી શકે છે, અણધાર્યા  પડકારોનો સામનો કરી નિરાકરણ લાવી શકે છે. પ્રશિક્ષણાર્થી પોતાની પદ્ધતિનું તલસ્પર્શી જ્ઞાન મેળવી શકે છે તેમ જ એક આદર્શ શિક્ષક તરીકેના ગુણોનો વિકાસ કરી શકે છે.

 

મારા જીવનનો યાદગાર પ્રસંગ

           જીવનમાં સુખ આવે તો સુખ પછી દુઃખ પણ આવે. કેટલાક પ્રસંગો અવિસ્મરણીય બની જતા હોય છે. કેટલીક યાદ સુખભરી હોય છે તો કેટલીક યાદો દુઃખ આપ...